Friday, 22 June 2012

વડોદરા ના રાજા શ્રી સમરજીત સિંહ ગાયકવાડ

વડોદરા ના રાજા શ્રી સમરજીત સિંહ ગાયકવાડ નો રાજ્ય અભિષેક
યુવરાજ સમરજિતસિંહ અને રાધિકારાજેનું દરબાર હોલ ખાતે આગમન
રાજોપાધ્યાય ધ્રુવદત્ત વ્યાસ દ્વારા રાજ્યાભિષેક વિધિ
સમરજિતસિંહના બહેન અલૌકિકારાજેએ કુમકુમ તિલક કરી અભિષેક



રાજમહેલમાં આયોજિત રાજ્યાભિષેકના કાર્યક્રમમાં વિશેષ પૂજા સાથે ગાયકવાડી પરંપરાના હોદ્દાઓનું પૂજન પણ કરવામાં આવે છે. જેમાં અપ્દગીરી, છડી, ઢોલ, નિશાન, ચામર, છત્રી, મોરચલ અને તલવારનનું પૂજન કરાયું હતું.

શાનદાર આતશબાજી વચ્ચે સમરજિતસિં ગાયકવાડનો રાજ્યાભિષેક
વડોદરાના રાજવી પરિવારનાં મહારાજા રણજિતસિંહ ગાયકવાડના નિધન બાદ આજે તેઓના ઉત્તરાધિકારી તરીકે યુવરાજ સમરજીતસિંહ ગાયકવાડનો સંપૂર્ણ વેદોક્ત અને ભારતીય પરંપરા મુજબ આમંત્રિત રાજવીઓની ઉપસ્થિતિમાં ૧૭મા રાજા તરીકે રાજ્યાભિષેક થયો ત્યારે ઢોલ, નગારા અને શહેનાઈ વાદનથી લક્ષ્મી વિલાસ પેલેસનો ગાદીહોલ ગુંજી ઉઠયો હતો. ભારતની મુખ્ય નદીઓના જળ, માટી અને પાંચ રત્નો સહિતના દ્રવ્યો સાથે રાજપૂરોહિતે રાજ્યાભિષેક કરાવ્યો ત્યારે રાજવી પરિવારના સભ્યો અને ઉપસ્થિત રાજવીઓ ભાવવિભોર બની ગયા હતા. આ વખતે સૌના હૃદયમાં સ્થાન મેળવનાર દિવંગત મહારાજા રણજિતસિંહની ગેરહાજરી હૃદયવલોવી મૂકતી હતી. પૂર્વ રાજાઓના પરંપરાગત ભદ્રાસન ઉપર ચારેય વર્ણના લોકોએ અભિષેક કર્યા બાદ નવા રાજા સમરજીતસિંહ પહેલી અને છેલ્લીવાર રાજગાદી ઉપર બિરાજ્યા હતા.



યુવરાજ સમરજીત જરીવાળા રજવાડી પોશાકમાં તેમના પત્ની રાધિકારાજ સાથે પૂર્વાભિમુખ બિરાજમાન હતા. રાજપુરોહિત ધુ્રવદત્ત વ્યાસે ગણપતિની પૂજા કરાવી ત્યારે ચાર બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર કર્યા હતા. ઋગ્વેદની વિધિ મુજબ પૂજા થઇ હતી અને રાજ્યના 'નિશાન' ચાંદીના નગારા, સોનાની કરાર અને સોનાના છત્રની પૂજા કરવામાં આવી હતી.

લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલ નજીકના અત્યંત પવિત્ર મનાતા ગાદી હોલમાં લાલજાજમ પથરાઇ હતી. જ્યાં આજે સવારે ૯ વાગ્યાથી વિધિથી શરૃઆત થઇ હતી. પ્રતાપસિંહરાવ ગાયકવાડ બાદ ગાદી હોલમાં આજે ચોથી વખત રાજયાભિષેક થયો હતો.

ગુજરાતના અડધા ઉપરાંતના વિસ્તાર ઉપર એક સમયે રાજ કરતા વડોદરાના રાજવી સર સયાજીરાવ ગાયકવાડની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી દરમિયાન રાજવી પરિવારના રહેઠાણ વાળા લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે આજે રાજયાભિષેકનો ચોથી વખતનો અદ્ભુત અને યાદગાર પ્રસંગ યોજાયો હતો.
લક્ષ્મીવિલાસ પેલેસમાં ગાદીહોલ ખાતે વિવિધ રજવાડાના રાજવી પરિવારોની ઉપસ્થિતિમાં શહેનાઇ અને નગારાના પવિત્ર નાદ વચ્ચે સવારે ૧૦ કલાકે અલૌકિકારાજેએ કુમકુમ તિલક કરી અભિષેક કર્યો
- રાજ્યાભિષેક બાદ કુળદેવતાં અને પૂર્વજોના દર્શન કર્યા

શુક્રવારે લક્ષ્મીવિલાસ પેલેસ ખાતે ૧૭મા વડોદરાના મહારાજા તરીકે સમરજિતસિંહ ગાયકવાડનો રાજ્યાભિષેક-રાજ્યારોહણનો કાર્યક્રમ યોજાયો હતો. લક્ષ્મીવિલાસ પેલેસના ગાદીહોલ ખાતે વિવિધ રજવાડાઓના રાજવી પરિવારોની ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં વેદોક્ત મંત્રો, શહેનાઈ અને નગારાના પવિત્ર નાદથી ગાદી હોલ ગૂંજી ઊઠયો હતો.

વડોદરાના મહારાજા તરીકે સમરજિતસિંહ ગાયકવાડના રાજ્યાભિષેક માટે શહેરીજનોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે ઉમળકો હતો. આજે સવારે લક્ષ્મીવિલાસ પેલેસના ગાદી હોલ ખાતે વહેલી સવારથી જ આમંત્રિત મહેમાનોનું આગમન થવા માંડયું હતું. મહારાજા પદે સમરજિતસિંહ ગાયકવાડ આરૂઢ થયા પૂર્વેથી જ ગાદી હોલ શહેનાઈના પવિત્ર સૂરોથી ગૂંજી ઊઠ્યો હતો.

૯.૩૦ કલાકે યુવરાજ સમરજિતસિંહ અને રાધિકારાજેનું દરબાર હોલ ખાતે આગમન થયું હતું. ત્યારબાદ રાજોપાધ્યાય ધ્રુવદત્ત વ્યાસ દ્વારા રાજ્યાભિષેક વિધિ અગાઉની પૂજા કરવામાં આવી હતી. દરમિયાન રાજવી કુટુંબની ગાદીપૂજા અને ભૂમિની પૂજા પણ કરવામાં આવી હતી. વેદોક્તમંત્રો સાથેની ભાવિ મહારાજાના રાજ્યાભિષેકની પૂજા દરમિયાન દેશની ૧૪ નદીઓના પાણી વડે ૧૪ વનસ્પતિઓ અને ૪ સમુદ્રોના પાણી તથા પ રત્નો વડે દેહશુદ્ધિ વિધિ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સમરજિતસિંહના બહેન અલૌકિકારાજેએ કુમકુમ તિલક કરી અભિષેક કરતા રાજવી પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી.

રાજ્યાભિષેક પછી સમરજિતસિંહ અને રાધિકારાજેએ શુભાંગિની રાજેએ પહેલા રાજમાતા શુભાંગિની દેવી ગાયકવાડ અને ત્યારબાદ અન્ય વડીલોના આર્શીવાદ લીધાં હતાં. પછી પરિવારજનો દ્વારા ફુલમાળા, પુષ્પગુચ્છ અર્પણ કરીને અભિવાદન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે રાજમહેલ સાથે જોડાયેલા વડોદરા ઉપરાંત જસદણ, વાંકાનેર, લોનાવાલા, સાવંતવાડી, સૌંદૂર રિયાસતના રાજવી પરિવારના સભ્યો સહિ‌ત ૨પ૦ જેટલા આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતાં. રાજ્યાભિષેક બાદ સમરજિતસિંહ ગાયકવાડ મહારાણી રાધિકારાજે સાથે દાંડિયાબજાર સિદ્ધિ વિનાયક મંદિર અને ખંડોબા મંદિરે જઈને કુળદેવતાના આર્શીવાદ અને કીર્તિ‌ મંદિર ખાતે જઈને પૂર્વજોના આર્શીવાદ લીધા હતા.

ગાદીગ્રહણ પૂર્વે હોદ્દાઓનું પૂજન કરવામાં આવ્યું

રાજમહેલમાં આયોજિત રાજ્યાભિષેકના કાર્યક્રમમાં વિશેષ પૂજા સાથે ગાયકવાડી પરંપરાના હોદ્દાઓનું પૂજન પણ કરવામાં આવે છે. જેમાં અપ્દગીરી, છડી, ઢોલ, નિશાન, ચામર, છત્રી, મોરચલ અને તલવારનનું પૂજન કરાયું હતું.

પ્રથમ વખત યુવાન મહિ‌લાઓને પ્રવેશ

વડોદરાના રાજવી ગાયકવાડી પરંપરામાં રાજ્યાભિષેકની વિધિ મહિ‌લાઓને નજીકથી જોવાની તક મળતી ન હતી.જોકે રણજિતસિંહજી ગાયકવાડનો રાજયાભિષેક થયો ત્યારે પહેલીવાર બુઝુર્ગ મહિ‌લાઓને ગાદી હોલમાં પુરુષ સભ્યો સાથે બેસવાની તક મળી હતી. હવે જ્યારે આજે સમરજિતસિંહ ગાયકવાડનો રાજ્યાભિષેક વિધિમાં પહેલીવાર રાજવી ગાયકવાડ પરિવારની યુવા મહિ‌લાઓને પણ ઉપસ્થિત રહીને નજીકથી રાજ્યાભિષેક જોવાનો લહાવો મળ્યો હતો.

દેરાસરમાં દર્શન: પિતાનું વચન પાળ્યું

મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ અને મહારાણી રાધિકારાજેએ સજોડે રાજ્યાભિષેક બાદ કોઠીપોળ જૈન દેરાસર જઇ દર્શન કરી આર્શીવાદ લીધા હતા. આમ કરીને તેમણે સ્વ.પિતા રણજિતસિંહજી ગાયકવાડનું જૈન દેરાસરને આપેલું વચન પૂર્ણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે દેરાસરની જૈન દેરાસરના ટ્રસ્ટી મંડળ દ્વારા રાજવી દંપતી અને રાજોપાધ્યાય ધ્રુવદત્ત વ્યાસને પાંચ-પાંચ ચાંદીની મુદ્રાઓ પણ શુભેચ્છા પ્રતીક તરીકે આપવામાં આવી હતી.

મુખ્ય દ્વાર પર કેસરી ધજા સ્થાપિત કરાઈ

સ્વ.મહારાજા રણજીતસિંહ ગાયકવાડના નિધન બાદ ઉતારી લેવાયેલી કેસરી ધજા મહારાજા સમરજિતસિંહ ગાયકવાડનો રાજ્યાભિષેક થયા બાદ રાજમહેલના પ્રવેશદ્વાર પર ગાયકવાડી પરંપરા મુજબ પુન: ફરકાવવામાં આવી હતી.

રજવાડી નગારાની ૧પ૦ વર્ષ જૂની પરંપરા

આજે રાજ્યાભિષેક દરમિયાન વિશાળ નગારાના નાદે પણ ઉપસ્થિતોનું ધ્યાન ખેંચ્યું હતું. આ નગારું વગાડનાર શ્રીપાદ ગુરવે જણાવ્યું કે, અમારી ચોથી પેઢી આ નગારું વગાડી રહી છે. વડોદરાના રાજવી સર સયાજીરાવ પ્રથમના રાજ્યાભિષેકના સમયનું આ રજવાડી નગારું ૧પ૦ વર્ષ જૂનું છે.



રાજમહેલમાં વર્ષોથી નગારુ વગાડતા ગુરવ તાપાએ કહ્યુ હતુ કે મને આજે ત્રીજા રાજવીનો રાજ્યાભિષેક નીહાળવાનો અવસર મળ્યો છે.રાજમહેલમાં જે નગારા છે તે ૧૮૮૫ના સમયગાળાના છે.આ પહેલા નગારા રાજમહેલના મુખ્ય દરવાજા પર મુકાતા હતા અને રોેજ સવાર સાંજ નગારા વગાડાતા હતા.નગારાનો અવાજ રાજમહેલના વાતાવરણમાં રોજ ગૂંજતો હતો.હવે ગૂડી પડવા જેવા તહેવારો ટાણે પ્રવેશદ્વાર પર નગારાને વગાડાય છે.  આજે રાજ્યાભિષેકમાં જે નગારા વગાડાયા છે તે અગાઉ અમારા પરદાદા પંજોબા યુધ્ધ સમયે વગાડી ચુક્યા છે.  ગાયકવાડી શાસકો યુધ્ધમાં જતા ત્યારે હાથી પર આ નગારાને લઈ જવાતા હતા. યુધ્ધ વખતે નગારાનો ધ્વનિ સૈનિકોમાં અનેરૃ જોશ પેદા કરતો હતો.આ જ નગારાના અવાજ આજે રાજ્યાભિષેકના ગાદી હોલમાં ગૂંજી ઉઠયો હતો.

યુવરાજમાંથી મહારાજા બનેલા સમરજીત ગાયકવાડે પરંપરામુજબ વડોદરા પ્રજાની સુખાકારી અને કલ્યાણ માટેની પ્રતિજ્ઞા લીધી હતી.

રાજ્યાભિષેક વિધિમાં ક્યારે, શું યોજાયું ?

- સવારે ૯.૩૦ : સમરજિતસિંહ અને રાધિકારાજેની પધરામણી
- સવારે ૯.૪૦ : પૂજા શરૂ થઈ
- સવારે ૧૦.૦૦ : મહારાજા ગાદી પર આરૂઢ થયા.
- સવારે ૧૦.૦પ : પેલેસના પરિસરમાં આતશબાજી અને દારૂખાનું ફોડવામાં આવ્યું
- સવારે ૧૧.૦૦ : સિદ્ધિ વિનાયક મંદિરે દર્શન
- સવારે ૧૧.૩૦ : ખંડોબા મંદિરે દેવદર્શન કર્યાં
- સવારે ૧૧.૪પ : કીર્તિ‌મંદિરે પૂર્વજોને ફુલહાર ચઢાવ્યાં

આ છે નવા મહારાજા સમરજિતસિંહ
જન્મતારીખ : ૨પ એપ્રિલ, ૧૯૬૭, વડોદરા

અભ્યાસ

- ૧૯૭૩ : ૬ વર્ષની વયે દેહરાદૂનની વેલન્સ શાળામાં પ્રવેશ મેળવ્યો
- ૧૯૭૯ : ૧૨ વર્ષની વયે દેહરાદૂનની દૂન સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો
- ૧૯૮૬: મહારાજા સયાજીરાવ યુનિવર્સિ‌ટીમાં કોમર્સની બેચલર ડિગ્રી માટે પ્રવેશ
- ૧૯૮૯ :બીકોમનો અભ્યાસક્રમ પૂરો
- ૧૯૯૦: એમ.કોમ(માર્કેટિંગ)માં પ્રવેશ મેળવ્યો પણ ૧ વર્ષ બાદ અભ્યાસ છોડી દીધો
- ૧૯૮૮થી૧૯૯૦ : વડોદરાની રણજી ટીમના સભ્ય બન્યા
- ૧૯૯૬ : પેલેસ મેદાનમાં ગોલ્ફ કોર્સની સ્થાપના

હોદ્દેદાર

- બરોડા ક્રિકેટ એસોસિયેશન વાઈસ પ્રેસિડેન્ટ
- ડાયમંડ જ્યુબિલી ટ્રસ્ટના ટ્રસ્ટી બન્યાં
- મહારાજા સયાજીરાવ યુનિ.માં સેનેટના સભ્ય બન્યાં
- ઇન્ડિયન ગોલ્ફ કાઉન્સિલ સભ્ય

Tuesday, 12 June 2012

શુભ મૂહુર્તઃ જાણો ઘરમાં ક્યારે કરાવવી વાસ્તુશાંતિ માટે પૂજા?

શુભ મૂહુર્તઃ જાણો ઘરમાં ક્યારે કરાવવી વાસ્તુશાંતિ માટે પૂજા?
 
નવા ઘરમાં પ્રવેશ કરતા પહેલા વાસ્તુશાંતિ અર્થાત યજ્ઞાદિ ધાર્મિક કાર્ય જરૂર કરાવવા જોઈએ. વાસ્તુશાંતિ કરાવવાથી ભવનની નકારાત્મક ઊર્જા સમાપ્ત થઈ જાય છે અને ઘર શુભ પ્રભાવ આપવા લાગે છે. તેનાથી જીવનમાં ખુશીઓ અને સુખ-સમૃદ્ધિ આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મંગળાચરણ સહિત વાધ્ય ધ્વનિ કરાવીને કુળદેવની પૂજા અને અગ્રજોનું સન્માન કરીને બ્રાહ્મણોને પ્રસન્ન કરી ગૃહ પ્રવેશ કરવો જોઈએ.
ગૃહ પ્રવેશ કરતા પહેલા વાસ્તુશાંતિ કરાવવું શુભ હોય છે. તેની માટે શુભ નક્ષત્ર તથા તિથિ આ પ્રકારે છે...

શુભ વારઃ- સોમવાર, બુધવાર, ગુરુવા તથા શુક્રવાર શુભ છે.

શુભ તિથિઃ-
શુક્લપક્ષની બીજી, ત્રીજ, પાંચમ, સપ્તમી, દશમી, અગિયારસ, બારસ, તથા તેરસ

શુત્ર નક્ષત્રઃ- અશ્વિની, પુનઃર્વસુ, પુષ્ય, હસ્ત, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઠ, ઉત્તરાભાદ્રપદ, રોહિણી, રેવતી, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા, સ્વાતિ, અનુરાધા તથા મઘા.

અન્ય વિચારઃ- ચંદ્રબળ, લગ્ન, શુદ્ધિ તથા ભદ્રાદિનો વિચાર કરી લેવો જોઈએ.
 

શુભ મૂહુર્તઃ ક્યારે કરવું પુનઃનિર્મિત ઘરમાં પ્રવેશ?

ક્ષતિગ્રસ્ત ઘરને તોડીને જ્યારે તેને ફરીથી નવા સ્વરૂપમાં બનાવવામાં આવે છે તો તેને પુનઃનિર્મિત ઘર કહે છે જ્યારે આ ઘરમાં પ્રવેશ કરવામાં આવે તો તેનો જીર્ણોદ્ધાર ગૃહ પ્રવેશ કહે છે. અર્થાત્ જો કોઈ કારણવશ ઘર તૂટી ગયું હોય, તોડાવીને નવું બનાવ્યું હોય કે જૂના મકાનનો વિસ્તાર કર્યો હોય તેવી સ્થિતમાં. જીર્ણોદ્ધાર ગૃહપ્રવેશ માટે આ વાત ધ્યાન રાખો...

શુભ નક્ષત્રઃ- શતભિષા, પુનર્વસુ, સ્વાતિ, ઘનિષ્ઠા, અનુરાધા, રોહિણા, મૃગશિરા, રેવતી, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાપ્રપદ નક્ષત્ર શુભ છે.

શુભ વારઃ- સોમવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર અને શનિવાર.

શુભ તિથિઃ- શુક્લપક્ષ દ્વિતિયા, તૃતીય, પંચમી, સપ્તમી, દશમી, એકાદશી, દ્વાદશી તથા ત્રયોદશી.

શુભ માસઃ- કારતક, માગશર, શ્રાવણ, મહા, ફાગણ, વૈશાખ અને જેઠ.

શુભ લગ્નઃ- વૃષભ, સિહં, વૃશ્ચિક અને કુંભ રાશિના લગ્ન ઉત્તમ હોય છે. મિથુન, કન્યા, ધન અને મીન રાશિના લગ્ન મધ્યમ છે. લગ્નેશ બલી, કેન્દ્ર-ત્રિકોણમાં શુભ ગ્રહ અને 3, 6, 10 અને 11માં ભાવમાં પાપ ગ્રહ હોવા જોઈએ.